રાજ્યમાં ગરમી આકરા પાણીએ, જાણો ક્યા કેટલું તાપમાન

Google+ Pinterest LinkedIn Tumblr +

રાજ્યભરમાં આકરા ઉનાળાની શરૃઆત થતાં જ કાળઝાળ ગરમીની શરૃઆત થઈ ચૂકી છે. માર્ચના અંતિમ દિવસોમાં ગરમીનો પારો ઊંચકાતાં શનિવારે સુરેન્દ્રનગર, અમરેલી અને ભુજ 39 ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર રહ્યાં હતાં. અમદાવાદમાં ગરમીનો પારો 37.6 ડિગ્રીએ પહોંચ્યો હતો.

રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 33 ડિગ્રીને પાર કરતાં લોકો કાળઝાળ ગરમીમાં તોબા પોકારી ઊઠયા હતા. ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ છેક હોળી-ધુળેટી સુધી જળવાયું હતું અને તે જોતાં ઉનાળો પણ આકરામાં આકરો બનશે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. શનિવારે એક સાથે ત્રણ શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર જતાં આવનારા દિવસો વધુ આકરા હશે તે નિશ્ચિત છે.

હોળી-ધુળેટી ગયા બાદ એકાએક હવામાનમાંથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયા બાદ ગરમીનો પારો ઊંચકાયો છે. શનિવારે રાજ્યભરમાં આકરા ઉનાળાની શરૃઆત થઈ હોય તેમ લોકો પરેસેવે રેબઝેબ થયા હતા. પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 36.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. ડીસામાં 37.4, વડોદરામાં 37.8, સુરતમાં 38 ડિગ્રી, ભાવનગર 36.4, રાજકોટમાં 38.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આકરા ઉનાળાની શરૃઆત થતાં જ લોકો પરસેવે રેબઝેબ થવાની સાથે દિનચર્યામાં પણ બદલાવ આવી ચૂક્યો છે.

પંખા અને એસી શરૃ થઈ ચૂક્યાં છે. એપ્રિલની શરૃઆતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી જશે તો નવાઈ જેવું લાગશે નહીં. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીને લઈ જનજીવનને માઠી અસર પહોંચશે તે નક્કી છે. ગરમીની શરૃઆત થતાં જ રાજ્યભરમાં બિલાડીના ટોપની જેમ કોલા સેન્ટરો, શેરડીના રસના સેન્ટરો ધમધમી ઊઠયાં છે.

આ ઉપરાંત કેરીના જ્યૂસ સેન્ટરો અને બરફના કોલા પણ ઠેર-ઠેર ધમધમી ઊઠયાં છે.આવા સેન્ટરો ઉપર લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરવામાં આવી રહ્યાં છે જેના કારણે ગંભીર રોગચાળાની શક્યતા પણ ઊભી થઈ શકે છે.

Share.

Leave A Reply