અ’વાદ: ખાનગી ચેનલને ડિબેટ પડી ભારે, જાણો શું થયું

Google+ Pinterest LinkedIn Tumblr +

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપર રવિવારે રાત્રે ખાનગી ચેનલ દ્વારા રાખવામાં આવેલ ડિબેટના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ માટે અપશબ્દો બોલાતા મામલો બિચક્યો હતો. આ વખતે સામે પક્ષે પણ બીજેપીના વરિષ્ઠ નેતાઓ સામે નારા બાજી લગાવતા વાતાવરણ તંગ બની ગયુ હતું.

ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલના કમાન્ડો અને કાર્યકર્તા સામ સામે આવી ગયા હતા અને એક તબક્કે ખુલ્લા હાથની મારામારી થઇ હતી. જેના લીધે આખી ડિબેટ રદ કરવી પડી હતી આ વાતની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓ તાબડતોડ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન આવી પહોચ્યા હતા. બંને પક્ષે સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છતાં બંને પક્ષે કોઇ માન્યું નહોતું. આખરે પોલીસે ભાજપના મહિલા મોરચાના પ્રમુખની ફરિયાદ પાંચ અજાણ્યા શખ્સો સામે લીધી હતી.

કોંગ્રેસના ધારાસભ્યોએ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસને આજીજી કરવી પડી હતી. ભાજપ અને કોંગ્રસની મહિલાઓએ સામસામી મારામારી અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી, ઋત્વિજ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી રાજુ પરમાર,શૈલેષ પરમાર અને ઈમરાન ખેડાવાલાએ બંને પક્ષના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ઋત્વિજ પટેલે લોકોને ઉશ્કેર્યા હતા અને તેના કમાન્ડોએ કોંગ્રેસના કાર્યકરો ઉપર હુમલો કરતાં મામલો બિચક્યો હતો.

Share.

Leave A Reply