અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું આગમન, 70મી વર્ષગાંઠની ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની ૭૦મી વર્ષગાંઠ માદરે વતન ગુજરાતમાં ઊજવવા સોમવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે.

પાટનગર ગાંધીનગરમાં રાજભવન ખાતે રાતવાસો કર્યા બાદ તેઓ વહેલી સવારે માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ મેળવશે. બાદ તેઓ સવારે ૧૦ વાગ્યે કેવડિયા પહોંચશે, જ્યાં પ્રથમવાર ૧૩૮.૬૮ મીટર સર્વોચ્ચ સપાટીથી છલકાયેલા નર્મદા ડેમના નીરમાં શ્રીફળ ચૂંદડી વહાવી નર્મદાના પાણીના વધામણાં કરશે. આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજાશે, આ સાથે રાજ્યકક્ષાના નમામિ દેવી નર્મદે મહોત્સવનો આરંભ થશે.

વડા પ્રધાન મોદી, તેમના માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મોટું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પ્રસ્થાપિત કરવા માટે કેવડિયા આસપાસ તૈયાર થઈ રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, બટરફ્લાય ગાર્ડન, વિશ્વ વન, એક્તા નર્સરી, એક્તા હોલ, રિવર રાફટિંગ વગેરેની મુલાકાત લેશે, તેઓ એકેય પ્રોજેક્ટ ખુલ્લો મૂકવાના નથી, પણ આ તેમની કેવળ ઇન્સ્પેક્શન વિઝિટ રહેશે, એમ સૂત્રો ટાંકી રહ્યાં છે, ત્યારબાદ ગરુડેશ્વર ખાતે દત્ત મંદિરમાં તેઓ પૂજા-અર્ચના કરી ત્યાં જાહેરસભા સંબોધશે. તેઓ લગભગ ૧૨ વાગ્યા સુધી કેવડિયા રહેશે, એમ જણાવાઈ રહ્યું છે.

વડા પ્રધાન મોદી લગભગ બે વાગ્યે ગાંધીનગર રાજભવન પરત આવશે અને ત્યાં બપોરનું ભોજન લેશે. સૂત્રો એમ જણાવી રહ્યાં છે કે, વડા પ્રધાન ક્યારે નવી દિલ્હી પરત જવાના છે તે છેલ્લી ઘડી સુધી નક્કી નથી, પણ બપોરના ભોજન બાદ અનુકૂળતાએ તેઓ નવી દિલ્હી પાછા જશે, એવો કાર્યક્રમ નિયત થયો છે.

Share.

Leave A Reply